હું શોધું છું

હોમ  |

આપના સવાલોના જવાબ
Rating :  Star Star Star Star Star   

લોકો દ્વારા પુછાતા પ્રશ્નો અને તેના જવાબો

ગુના અન્વેષણ વિભાગ બાબતે લોકો દ્વારા સામાન્ય રીતે નીચે જણાવેલા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે.

પ્રશ્ન - ૧ સી.આઇ.ડી. ક્રાઇમ કેવા ગુનાઓની તપાસ કરે છે ?

જવાબઃ- સામાન્ય રીતે (૧) રાજ્ય સરકાર (૨) હાઈકોર્ટ (૩) વિજિલન્સ (૪) ડી.જી.પી. ફરમાન કરે તેવા, ચર્ચાસ્પદ, ઊંડાણપૂર્વકની વિગતવાર તપાસ માગે તેવાં ગુનાઓની તપાસ સી.આઇ.ડી. ક્રાઇમ કરે છે.

પ્રશ્ન-૨ સીઆઇડી ક્રાઇમ તપાસ કેવી રીતે (કોના હુકમથી) સંભાળે છે ?

જવાબઃ- સીઆઇડી ક્રાઇમ મુખ્યત્વે, (૧) રાજ્ય સરકાર (૨) હાઈકોર્ટ (૩) તકેદારી આયોગ (૪) ડીજીપીશ્રીના હુકમથી તપાસ સંભાળે છે. ખાસ કિસ્સામાં, અધિક પોલીસ મહાનિદેશકશ્રી, પોતાના હુકમથી (સુઓ મોટો) પણ તપાસ સંભાળી શકે છે.

પ્રશ્ન-૩ સીઆઇડી ક્રાઇમ તપાસ સંભાળે તે માટે કોની પાસે રજૂઆત કરવી ?

જવાબઃ- આ માટે સંબધીતે (૧) રાજ્ય સરકાર (૨) હાઈકોર્ટ (૩) તકેદારી આયોગ (૪) ડીજીપીશ્રીનો સંપર્ક કરવાનો રહે છે. ખાસ કિસ્સામાં, સીઆઇડી ક્રાઇમમાં ચોક્કસ આધાર સહિતના પુરાવાઓ અને વિગતો સહિતની અરજીઓ બાબતે અધિક પોલીસ મહાનિદેશક તથા ખાસ/નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી તપાસ સંભાળવાનો હુકમ કરી શકે છે.

આ બાબતે વધુ વિગતવાર માહિતી, અત્રેની કચેરી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ગુના અન્વેષણ વિભાગ - ફરજો અને કાર્યપદ્ધતિ નામના પુસ્તકમાં છે અને આ પુસ્તક અત્રેની કચેરીના પી.આર.સી. (પોલીસ સંશોધન કેન્દ્ર)માં અવલોકનાર્થે ઉપલબ્ધ છે.

પ્રશ્ન-૪ સીઆઇડી ક્રાઇમમાં અધિકારીઓ / કર્મચારીઓની નિમણૂક કઈ રીતે કરવામાં આવે છે ?

જવાબઃ- સીઆઇડી ક્રાઇમમાં, નાયબ પોલીસ અધીક્ષકશ્રી અને તેનાથી ઉપરના દરજ્જાના અમલદારોની નિમણૂક સરકારશ્રીના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવે છે.

ડિટેક્ટિવ પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર દરજ્જાના અધિકારીઓની નિમણૂક પોલીસ મહાનિદેશકશ્રી કરે છે.

એ.એસ.આઇ. / અનાર્મ હેડ કોન્સ્ટેબલ તથા પોલીસ કોન્સ્ટેબલોની નિમણૂક બાબતે કચેરી દ્વારા જે તે કર્મચારીઓના નોકરીપત્રક જોઇ તેઓની સ્વચ્છ કારકિર્દી અને ઓછામાં ઓછી પાંચ વર્ષની નોકરી થયેલ હોય તેઓને પ્રતિનિયુક્તિના ધોરણે નિમણૂક આપવામાં આવે છે.

પ્રશ્ન-૫ આર્થિક ગુનાની તપાસ સીઆઇડી ક્રાઇમમાં કયો એકમ કરે છે અને તેના વડા કોણ છે ?

જવાબઃ- સીઆઇડી ક્રાઇમમાં, આર્થિક ગુના નિવારણ શાખા, આર્થિક ગુનાઓની તપાસ કરે છે. આ એકમના વડા, નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી (ક્રાઇમ-૩) આર્થિક ગુના નિવારણ શાખા મેઘાણીનગર-અમદાવાદ અને ગાંધીનગર વડી કચેરી એમ બન્ને જગ્યાએ તેઓની કચેરીઓ છે.

પ્રશ્ન-૬ કયા પ્રકારના આર્થિક ગુનાની તપાસ સીઆઇડી ક્રાઇમ કરે છે ?

જવાબઃ- આર્થિક ગુનાઓ જેવા કે બેંક ફ્રોડ, કંપનીઓ સાથે મોટી રકમની છેતરપિંડી, એમ.એલ.એમ. (મલ્ટી લેવલ માર્કેટિંગ) કંપનીઓ દ્વારા જનતાના નાણાંની છેતરપિંડી બાબતેના કેસો, ખોટા દસ્તાવેજો બનાવી મોટી રકમ મેળવવા માટે કરેલા કાવતરાના કેસો વગેરે પ્રકારના કેસો કે જેમાં, વિશાળ જનતાનું હિત હોય અને ખૂબ જ મોટી રકમની સંડોવણી થઈ હોય તેવા કેસોની તપાસ સીઆઇડી ક્રાઇમમાં, આર્થિક ગુના નિવારણ શાખા કરે છે.

પ્રશ્ન-૭ જો સામાન્ય પ્રકારનો આર્થિક ગુનો હોય તો તેની તપાસ માટે શી વ્યવસ્થા છે ?

જવાબઃ- સામાન્ય પ્રકારના આર્થિક ગુનાઓની તપાસ માટે જિલ્લા / કમિશનરેટ સ્તરે આર્થિક ગુના નિવારણ શાખા, જે તે સ્થાનિક પોલીસની આંતરિક વ્યવસ્થાથી કાર્યરત છે તેનો સંપર્ક કરી શકાય છે. તેઓને અત્રેની કચેરીના આર્થિક ગુના નિવારણ સેલ દ્વારા વખતોવખત તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવે છે.

પ્રશ્ન-૮ મહિલા ઉપર અત્યાચારનો બનાવ બન્યો હોય અને સ્થાનિક પોલીસ મદદ ન કરતી હોય તો કોને મળવું ?

જવાબઃ- સીઆઇડી ક્રાઇમની મુખ્ય કચેરી, પોલીસ ભવન, સેક્ટર-૧૮, ગાંધીનગર ખાતે આવેલી છે. આ કચેરીમાં મહિલા સેલના પોલીસ ઇન્સ્પેક્ટરને મળી શકાય

પ્રશ્ન-૯ બાળકો ઉપર અત્યાચારના બનાવો બાબતે સીઆઇડી ક્રાઇમમાં કોઈ વ્યવસ્થા તંત્ર છે ?

જવાબઃ- બાળકો અંગેના ગુનાઓ સબબ કામગીરી અત્રેની કચેરીની મહિલા સેલમાં કરવામાં આવે છે. તેઓ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓ / કમિશનરેટમાંથી આવા ગુનાઓની આંકડાકીય માહિતી મંગાવીને વિશ્લેષણ કરવામાં આવે છે. સીઆઇડી ક્રાઇમની મુખ્ય કચેરી, પોલીસ ભવન, સેક્ટર-૧૮, ગાંધીનગર ખાતે મહિલા સેલની કચેરી બેસે છે.

પ્રશ્ન-૧૦ ખોવાયેલાં બાળકો અંગે જો સ્થાનિક પોલીસ અસરકારક કામગીરી ના કરતી હોય તો કોને મળવુ ?

જવાબઃ- મિસિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર કે જેઓ સી.આઇ.ડી. ક્રાઇમ, ૪થો માળ, પોલીસ ભવન, ગાંધીનગર ખાતે બેસે છે તેઓને મળવું.

પ્રશ્ન-૧૧ પીઆરસી (પોલીસ સંશોધન કેન્દ્ર)માં કયા પ્રકારની કામગીરી કરવામાં આવે છે ?

જવાબઃ- પીઆરસી (પોલીસ સંશોધન કેન્દ્ર)માં કાયદાઓમાં સુધારાવધારા, તેના અમલીકરણ વગેરે બાબતે કામગીરી કરવામાં આવે છે. તે ઉપરાંત આ સેલમાં, એક અગત્યની કામગીરી ગુનાઓ ઉપર સામાજીક અને આર્થિક પરિબળોની અસરો સંબંધે સંશોધન કરવાની છે.

પ્રશ્ન-૧૨ કેફી પદાર્થોની માહિતી / બાતમી હોય તો કોને આપવી ?

જવાબઃ- નાર્કોટિક્સ સેલના નાયબ પોલીસ અધીક્ષકશ્રી, સીઆઇડી ક્રાઇમની મુખ્ય કચેરી, પોલીસ ભવન, સેક્ટર-૧૮, ગાંધીનગર ખાતે આવેલી છે તેમાં પાંચમા માળે બેસે છે. તેઓને માહિતી અગર બાતમી આપી શકાય.

પ્રશ્ન-૧૩ નાર્કોટિક્સ સેલની કામગીરી શી છે ?

જવાબઃ- આ સેલમાં, કેફી દ્રવ્યોની હેરાફેરીને લગતા ગુનાઓની આંકડાકીય માહિતી એકત્રિત કરવાની કામગીરી ઉપરાંત આવા ગુનાઓને કાબૂમાં રાખવા અને તેની તપાસ કેવી રીતે કરવી અને તપાસ દરમિયાન શી શી બાબતો ધ્યાનમાં રાખવી તે બાબતે સ્થાનિક પોલીસને માર્ગદર્શન આપવામાં આવે છે.

આ સેલ, કેન્દ્ર સરકારના નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો સાથે સંકલનમાં રહી, આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય ગુનેગારો અને કેફી પદાર્થોની હેરાફેરીની પ્રવૃત્તિ અટકાવવા બાબતે લાયઝનની કામગીરી કરે છે.

પ્રશ્ન-૧૪ ગુનો કરી આરોપી પરદેશમાં ભાગી જાય તો કોની પાસે માર્ગદર્શન લેવું ?

જવાબઃ- પોલીસ ઇન્સ્પેક્ટર, ફયુજિટિવ ઇન્વેસ્ટિગેશન યુનિટ, કે જેઓ સી.આઇ.ડી. ક્રાઇમ, ૪થો માળ, પોલીસ ભવન, ગાંધીનગર ખાતે બેસે છે તેઓને મળવું.

પ્રશ્ન-૧૫ ઇન્ટરપોલની મદદ કેવી રીતે મેળવી શકાય ?

જવાબઃ- ઇન્ટરપોલની ભારત ખાતેની વડી કચેરી નવી દિલ્હી ખાતે સ્થિત છે. જે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, સી.જી.ઓ. કોમ્પલેક્સ, લોધી રોડ, નવી દિલ્હીની કચેરી ખાતે ઇન્ટરપોલ વિંગમાં આવેલી છે.

ઇન્ટરપોલની મદદ અત્રેની કચેરીમાં આવેલા ફયુજિટિવ ઇન્વેસ્ટિગેશન યુનિટ દ્વારા મેળવી શકાય.

પ્રશ્ન-૧૬ રેડ કોર્નર નોટીસ શું છે ?

જવાબઃ- ઇન્ટરપોલના ૧૮૧ સભ્ય દેશો પૈકી ગમે તે દેશમાં સ્થિત ગુનેગાર/આરોપીને પકડવા માટે સક્ષમ કોર્ટ દ્વારા ધરપકડ માટેનું ખુલ્લું વોરંટ, રેડ કોર્નર નોટીસ તરીકે ઓળખાય છે.

પ્રશ્ન-૧૭ એક્સ્ટ્રાડિક્શન શું છે ?

જવાબઃ- એક્સ્ટ્રાડિક્શન સરળ ગુજરાતી ભાષામાં પ્રત્યર્પણ તરીકે ઓળખાય છે. પ્રત્યર્પણ એટલે દા.ત. ભારત દેશનો આરોપી/ગુનેગાર અન્ય સભ્ય દેશમાં ભાગી ગયો હોય તો તેની વિરુદ્ધ અદાલત કામ ચલાવવા માટે મેળવવામાં આવતી શારીરિક હાજરી અને વિદેશી સરકારની મંજૂરી એક્સ્ટ્રાડિક્શન એટલે કે પ્રત્યર્પણ.

પ્રત્યર્પણ સંધિ (એક્સ્ટ્રાડિક્શન એગ્રીમેન્ટ) ઇન્ટરપોલ દેશો વચ્ચે જ એકબીજાના આરોપી/ગુનેગારોની સોંપણી સંભવ છે. હાલ ઇન્ટરપોલના કુલ ૧૮૧ સભ્ય દેશો છે પરંતુ પ્રત્યર્પણ સંધિ- બે દેશો વચ્ચેની આપસની સમજૂતી છે.

પ્રશ્ન-૧૮ આંતરરાજ્ય ગુનેગારો બાબતે કોને માહિતી આપવી ?

જવાબઃ- (૧) આંતરરાજ્ય ગુનેગારો અંગે- સંબંધિત રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓની કોન્ફરન્સ મળે છે ત્યારે તે અંગેના નિર્ણયો લેવાય છે.

(૨) પરંતુ આ બાબતે અત્રેના ક્રિમિનલ ઇન્ટેલિજન્સ સેલમાં માહિતી આપી શકાય છે.

પ્રશ્ન-૧૯ સ્થાનિક પોલીસે કોઈ ગુનામાં સી.આઇ.ડી. ક્રાઇમની મદદ મેળવવા માટે શું ઉપાય છે ?

જવાબઃ- જે તે જિલ્લા પોલીસ અધીક્ષક અથવા પોલીસ કમિશનરશ્રીએ સી.આઇ.ડી. ક્રાઇમની મદદ મેળવવા માટે લેખિત વિનંતી (૧) જે તે ઝોનના નાયબ પોલીસ અધીક્ષક, સી.આઇ.ડી. ક્રાઇમ (૨) સબંધિત પોલીસ અધીક્ષક, સી.આઇ.ડી. ક્રાઇમ (૩) અથવા અધિક પોલીસ મહાનિદેશક, સી.આઇ.ડી. ક્રાઇમને કરવાની રહે છે.

પ્રશ્ન-૨૦ સી.આઇ.ડી.ક્રાઇમનું ગુના વિશ્લેષણ એકમ શી કામગીરી કરે છે ?

જવાબઃ- સમગ ગુજરાત રાજ્યમાં દર મહિને બનતા ગુનાઓનું હેડવાઇઝ/જિલ્લાવાઇઝ વિશ્લેષણ કરે છે અને ગુનાઓ અટકાવવા માટે માર્ગદર્શન અને સૂચનાઓ આપે છે.

પ્રશ્ન-૨૧ સાયબર ક્રાઇમને લગતા ગુનાઓ સબંધી માહીતી મેળવવા કોની પાસેથી માર્ગદર્શન મેળવવું ?

જવાબઃ-  સાયબર ક્રાઇમ ગુનાઓની જાણકારી માટે પોલીસ ભવન ચોથો માળ,ગાંધીનગર ખાતે સાયબર ક્રાઇમ સેલ આવેલ છે. જે શાખાના અધિકારીશ્રીને મળીને માર્ગદર્શન મેળવી શકાય તેમજ અમદાવાદ શહેરને લગતા સાયબર ક્રાઇમના ગુનાઓ માટે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્‍ચ ખાતે  સાયબર સેલ આવેલ છે. ત્‍યાંથી પણ માર્ગદર્શન મેળવી શકાય છે.

 


 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી

કઈ રીતે સંપર્ક સાધશો?

મોટા જથ્થાના કેસોની માહીતી

કચેરીના વડાઓ અને કાર્યકાળ

આપના સવાલોના જવાબ

સંબંધિત લિંક્સ

 
સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ 
 
       ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ 
Last updated on 16-04-2011